Amazing Dwarka: એઇમ્સ બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના વિકાસને નવો આયામ મળી ગયો છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તેથી હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, કેન્દ્રીય અને કેબિનેટ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું નિરિક્ષણ કર્યું હતું ત્યારબાદ રીબીન કાપી એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હીરાસર એરપોર્ટને કારણે સૌરાષ્ટ્રને વિકાસને નવી ઉર્જા આપનાર પાવર હાઉસ મળ્યું છે. હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંદાજે 5 હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોને વેગ મળશે. તો પ્રવાસીઓના આગમનમાં પણ વધારો થશે.

સૌરાષ્ટ્રને વિશ્વના દેશો સાથે સીધી કનેક્ટિવિટી
સૌરાષ્ટ્રવાસીઓ હવે ઉડીને દુનિયાના ગમે તે સ્થળે પહોંચી શકશે. અતિ મહત્વના એવા હિરાસર એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઇ ચુક્યું છે. આ એરપોર્ટને કારણે સૌરાષ્ટ્રને વિશ્વના દેશો સાથે સીધી કનેક્ટિવિટી મળી ગઇ છે જેના કારણે સૌરાષ્ટ્રના વેપારધંધાને નવો વેગ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પાંચ હજારથી વધારે વેપાર-ઉદ્યોગનું કામ સરળ અને ઝડપી બની ગયું છે. તો ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે એટલે સ્થાનિક લોકો માટે પણ રોજગારીનું પ્રમાણ વધશે. રાજકોટ હિરાસર એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.

ગ્રીનફિલ્ડ એટલે શહેરની બહાર પડતર પડેલી જમીન પર શૂન્યમાંથી સર્જન કરીને જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેને ગ્રીનફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનફિલ્ડ જમીન પર કોઇ બાંધકામ ન હોય તેવા સ્થળોએ પ્રોજેક્ટના ડિઝાઇન તૈયાર કરવામાં સરળતા રહે છે. આગામી ત્રણ વર્ષમાં દેશમાં 6 નવા એરપોર્ટ બનશે જેમાં હિરાસર સહિત નવી મુંબઈ, વિજયપુરા, હસન, નોઈડા (જેવર), અને ધોલેરાનો સમાવેશ થાય છે. આ સિવાય પણ હિરાસર એરપોર્ટની અનેક ખાસિયતો છે જેના પર આવો વિગતે ચર્ચા કરીએ.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું ?
દેશમાં 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થઇ ચૂક્યા છે, રાજકોટનું હિરાસર એરપોર્ટ 12મું એરપોર્ટ બની ગયું છે. ર્ગાપુર, શિરડી, કન્નુર, પાક્યોંગ, કલબુર્ગી, ઓરવાકલ (કુર્નૂલ), સિંધુદુર્ગ, કુશીનગર, ઇટાનગર, મોપા અને શિવમોગા છે, અને 12મું એરપોર્ટ હિરાસર એરપોર્ટ છે. વર્ષ 2008માં નાગરિક ઉડ્ડયન ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી અમલમાં મૂકી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રાજ્ય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છતા હોય તેઓએ સાઇટ ક્લિયરન્સ અને સૈદ્ધાંતિક એમ બે પ્રકારની મંજુરી ફરજિયાત લેવાની રહેશે. અત્યાર સુધીમાં દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. જેમાંથી 12 એરપોર્ટ કાર્યરત પણ થઇ ચૂક્યા છે. આ સિવાય રાજસ્થાનમાં અલવર, મધ્ય પ્રદેશમાં સિંગરૌલી અને હિમાચલ પ્રદેશમાં મંડી ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કાની ‘સાઇટ ક્લિયરન્સ’ મંજૂરી આપવામાં આવી છે.

સુવિધામાં કોઇ કચાસ રાખવામાં આવ્યો નથી
હિરાસર એરપોર્ટ કે જેનું નામ રાજકોટ ઇન્ટરનેશનલ રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ અન્ય એરપોર્ટ કરતાં અનેક ગણી વધુ સુવિધાથી સજ્જ છે. ગ્રીનફિલ્ડ હોવાથી એરપોર્ટનો રનવે-બિલ્ડિંગ, પરિસર સહિતની તમામ જગ્યામાં કોઇ કચાસ રાખવામાં આવી નથી. તો એરપોર્ટની અંદર અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ કંટ્રોલરૂમ, ચેકિંગ મશીનો, વેઇટિંગ રૂમ, લોન્જ સહિતની સુવિધાઓ છે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થયેલા આ એરપોર્ટની સુવિધામાં કોઇ કચાસ રાખવામાં આવ્યો નથી. ખાસ કરીને રનવે અને ઇમારતના બાંધકામમા ખુબ જ વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે.