યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ હતી, 21 જુનનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો, આ માહિતી વાંચીને મજા પડી જશે!

દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 જુનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ખગોળીય રીતે જોઇએ તો 21 જુનનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. તો પૌરાણિક કથાઓમાં 21 જુનના દિવસે જ ભગવાન શિવે જ મનુષ્યોના કલ્યાણ માટે યોગનું જ્ઞાન આપવાની શરૂઆત કરી હતી.

21 જુનનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો

તો યોગને વૈશ્વિક દિવસ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગનું મહત્વ સમજાવવા માટે એક ખાસ સંબોધન આપ્યું હતું અને ત્યારબાદ તેનો મુસદો તૈયાર કરી સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મુક્યો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘે 21 જુનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આમ વર્ષ 2015થી દર વર્ષે 21 જુનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.

યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ હતી

આપણા શાસ્ત્રોમાં યોગને એક સાધના તરીકે દર્શાવવામાં આવે છે. યોગ એટલે બ્રહ્માંડ સાથેનું જોડાણ, યોગ કરતો વ્યક્તિ સભાનતાપૂર્વક બ્રહ્માંડ સાથે જોડાઇ જાય છે. ભગવાન શિવ યોગના કારક છે, તેઓ આદિયોગી એટલે પ્રથમ યોગી છે. મનુષ્યો સુધી યોગને પહોંચાડવાનું કામ સપ્તર્ષિઓએ કર્યું હતું. યોગ સાથે એક દંતકથા પણ પ્રચલિત છે. જેમાં ભગવાન શિવ અનેક વર્ષોથી ધ્યાનમાં લીન હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવીને દર્શન કરીને જતાં રહ્યાં, પરંતુ સાત લોકો 84 વર્ષ સુધી ભગવાન શિવ આંખ ખોલે તેની રાહ જોઇને બેઠા રહ્યાં. ત્યારબાદ ઉનાળાના અયનકાળના દિવસે જ્યારે સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ જઇ રહ્યો હતો ત્યારે ભોળાનાથે રાહ જોઇ રહેલા 7 જીવની નોંધ લીધી. ત્યારબાદ 28 દિવસ બાદ ભગવાન શિવ આદિગુરુ બની ગયા અને સપ્તઋષીઓને યોગનું જ્ઞાન આપ્યું.

યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ હતી

વિશ્વ કક્ષાએ યોગ દિવસની ઉજવણી થાય તેવો વિચાર શ્રી શ્રી રવિશંકરને આવ્યો હતો, ત્યારબાદ તેઓએ આ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મુક્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાષણ દરમિયાન સૌપ્રથમ વખત યોગ પર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. ચાલો આપણે ઇન્ટરનેશનલ યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ.

તમને જાણીને નવાઇ લાગશે કે ઇન્ટરનેશનલ યોગ દિવસની ભારત તરફથી જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તેણે પણ રેકોર્ડ બનાવ્યો છે. ભારતના પ્રતિનિધિમંડળે 11 ડિસેમ્બર 2014ના રોજ મોકલેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2014માં યોગ દિવસ ટાઇટલ અંતર્ગત એક ખરડો પસાર કર્યો હતો જેમાં 177 સભ્ય દેશોએ ટેકો જાહેર કર્યો હતો જે રેકોર્ડબ્રેક સપોર્ટ હતો. એટલે કે એકપણ વિરોધ વગર તમામ સભ્ય દેશના ટેકાથી ભારતના યોગ દિવસના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. આમ 21 જુન 2015માં પ્રથમ વખત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઇ હતી. ભારતમાં વડાપ્રધાન સહિત મોટી સંખ્યામાં લોકોએ વિવિધ સ્થળો પર યોગ કરીને આ દિવસની ઉજવણી કરી હતી.

1 thought on “યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ હતી, 21 જુનનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો, આ માહિતી વાંચીને મજા પડી જશે!”

Leave a Comment