“મારી માટી, મારો દેશ” વિષય પર ખંભાળિયામાં ચિત્રકલા સ્પર્ધા યોજાશે, વાંચો સમગ્ર માહિતી વિગતે

Amazing Dwarka: જિલ્લાના કલાકારો માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી માટી મેરા દેશ’ વિષય પર સરકારી જિલ્લા ગ્રંથાલય, જૂની મામલતદાર કચેરીના મકાનમાં, કડીયાવાડ, કલ્યાણરાયજી મંદિર પાસે, જામખંભાળિયા ખાતે આગામી તા.૧૩/૦૮/૨૦૨૩ના રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે ૯ થી ૧૫ બી ૧૬ થી ૨૧ વર્ષની વય મર્યાદાના લોકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

શું છે આ કાર્યક્રમ ?

આ કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રથમ ૩૦ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામો તથા બંને ગ્રુપના પ્રથમ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકોને રોકડ ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવશે. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગ્રંથાલય ખાતેથી નોંધણી ફોર્મ મેળવી લઇ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ જમા કરાવી આપવાના રહેશે. વધુ માહિતી માટે સરકારી જિલ્લા ગ્રંથાલય, જામ-ખંભાળિયાની રૂબરૂ મુલાકાત તથા મોબાઈલ નંબર ૮૪૬૦૧૧૧૦૮૭ પર સંપર્ક કરવા મદદનીશ ગ્રંથપાલની યાદીમાં જણાવાયું છે.

શું છે મારી માટી, મારો દેશ અભિયાન

દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનશ્રીએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે. દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.

“મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન”

“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.

Leave a Comment